સોમવાર, 10 ઑગસ્ટ, 2020

ભારતે ખરીદેલા રફાલ યુદ્ધ વિમાનોના વૈશ્વિક માર્કેટમાં પાછળ

એનાલીસિસ - દિગરાજસિંહ ગોહિલ દ્વારા

ગુજરાત સમાચાર

તારીખ - 10-08-2020

ભારત ફ્રાન્સ પાસેથી ૩૬ રફાલ વિમાન ખરીદી રહ્યું છે, જેમાંથી પાંચ વિમાન ભારતને મળી ગયા છે. આ યુદ્ધ વિમાન એવા સમયે ભારતમાં આવ્યા છે જ્યારે દેશમાં કોરોનાની મહામારી ચરમસીમાએ છે અને વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયો છે જ્યારે ૨૪ કલાકમાં સામે આવી રહેલા કોરોનાના કેસોમાં પ્રથમ ક્રમે છે. બીજી તરફ  ચીન સાથે સરહદે તંગદીલી વધી ગઇ છે અને ભારતના ૨૦ જવાન શહીદ પણ થઇ ગયા છે આ પરિસ્થિતિ વચ્ચે રફાલ વિમાનના આવવાથી ઇન્ડિયન એરફોર્સ અને સૈન્યનું મનોબળ  જરુર વધશે. પણ જે રીતે આ વિમાનના આગમ બાદ નેતાઓ મંત્રીઓ દ્વારા દેશનું સંપૂર્ણ ધ્યાન કોરોના મહામારીને બાજુમાં મુકી માત્ર રફાલ વિમાન પર આવી ગયું હતું તે આશ્ચર્યજનક હતું.

કેટલાક નેતાઓએ તો એવા પણ દાવા કરી નાખ્યા હતા કે રફાલ વિમાન વિશ્વમાં સૌથી શક્તિશાળી વિમાન છે. હવે ચીન સાથે યુદ્ધ થાય તો ભારત જીતી જશે અને પાકિસ્તાન તો ભારતથી વધુ ડરી ગયું છે. જોકે કોરોના મહામારી વચ્ચે રફાલ વિમાનના જે પ્રકારના વખાણ થઇ રહ્યા છે તેવું હકીકતમાં છે ખરું તે ચકાસીએ. રફાલ વિમાન ફ્રાન્સની દસોલ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, રફાલને ૪.૫ જનરેશનના યુદ્ધ વિમાન માનવામાં આવે છે. રફાલ ડબલ એન્જિન ધરાવે છે, જે તેની તાકાત વધારી દે છે. જેમાં એર ટુ એર અને એર ટુ લેંડ હુમલા માટે મિસાઇલો ફીટ કરેલી હોય છે તેથી હવામાં અને જમીન પર એમ બન્ને રીતે આ વિમાન હુમલા કરી શકે છે. આ વિમાન ખાલી હોય અને કોઇ મિસાઇલ કે હથિયારો તેમજ ઇંધણ ન હોય ત્યારે તેનું વજન ૧૦ ટનનું રહે છે અને ટેક ઓફ કેપેસિટી ૨૫ ટનની છે, એટલે કે પાંચ ટન ઇંધણ અને ૧૦ ટનના હથિયાર સાથે રફાલ વિમાન ઉડી શકે છે. રફાલમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (એઇએસએ) રડાર સિસ્ટમ છે જે દુશ્મનની મિસાઇલથી લઇને વિમાનને પણ પારખી શકે છે. પણ આ બધી ખાશિયતો હોવા છતા આંતરરાષ્ટ્રીય વેપન એટલે કે હથિયારો અને યુદ્ધ વિમાનોના માર્કેટમાં વધુ વેચાણની દ્રષ્ટીએ રફાલ નિષ્ફળ વિમાન પુરવાર થયું છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોઇ ખરીદનારું નથી : ભારત ફ્રાન્સ પાસેથી ૩૬ રફાલ વિમાન ખરીદવાનું છે તેમાં પાંચ ભારતમાં આવી ગયા છે. અમદાવાદ કરતા પણ અડધી વસતી ધરાવતા કતાર અને માત્ર નવ કરોડ જેટલી વસતી ધરાવતા ઇજિપ્ત પાસે જ આ રફાલ વિમાન છે. ફ્રાન્સ રફાલ વિમાનનો ઉપયોગ કરે છે કેમ કે આ વિમાનને બનાવનારી કંપની ફ્રાન્સની છે. કતારે ૨૦૧૫માં ૨૪ અને ૨૦૧૭માં ૧૨ વિમાનનો ઓર્ડર આપ્યો હતો, ગયા વર્ષે પ્રથમ રફાલ વિમાન કતાર પહોંચ્યું હતું, રફાલનું ઉત્પાદન ૨૦૦૧થી શરૂ થયું છતા કતારે ૨૦૧૯માં મેળવ્યું, એનો અર્થ એમ થયો કે કતારે પણ આટલા વર્ષો સુધી આ વિમાનને ખરીદવાનું ટાળ્યું હતું. કતાર ઉપરાંત ઇજિપ્ત પાસે થોડાઘણા રફાલ વિમાન છે. ફ્રાન્સ, કતાર અને ઇજિપ્ત બાદ હવે ભારત પાસે રફાલ વિમાન છે જ્યારે દુનિયાના અન્ય કોઇ દેશ પાસે રફાલ વિમાન નથી. હથિયારોના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રફાલની ખરીદી રશિયન અને અમેરિકન વિમાનની સરખામણીએ ઓછી હોવાનું મુખ્ય કારણ તેનો ખર્ચ અને ઉંચી કિમત જ્યારે તેની સામે જોઇએ તેટલી ટેક્નોલોજી અને ક્ષમતા ન હોવાનું મનાય છે.

ઇજિપ્તે રફાલને સાઇડલાઇન કરી એસયુ-૩૫ પસંદ કર્યું : ઇજિપ્તે વધુ રફાલ વિમાન ખરીદવાને બદલે રશિયાના એસયુ-૩૫ ફાઇટર જેટ ખરીદ્યા છે. ગત વર્ષે માર્ચ મહિનામાં ઇજિપ્ત અને રશિયા વચ્ચે એસયુ-૩૫ વિમાનની ડીલ થઇ હતી. જે અંતર્ગત ઇજિપ્ત રશિયા પાસેથી ૨૪ એસયુ-૩૫ વિમાન ખરીદશે અને પ્રથમ પાંચ વિમાન ઇજિપ્ત પહોંચી ગયા છે. ઇજિપ્ત પાસે રફાલ વિમાન છે પણ તેણે વધુ રફાલ વિમાન ખરીદવાને બદલે હવે રશિયાના એસયુ-૩૫ વિમાનને ખરીદવાનું પસંદ કર્યું. ઇજિપ્તની દલીલ છે કે એસયુ-૩૫ વિમાનની સ્પીડ પ્રતિ કલાક ૨૮૦૦ કિમી છે અને ૪૫૦૦ કિમીની રેંજ છે. 

શું રફાલ વિશ્વમાં સૌથી શક્તિશાળી યુદ્ધ વિમાન છે? : રફાલ ૪.૫ જનપરેશનનું યુદ્ધ વિમાન છે જ્યારે અમેરિકા, રશિયા પાસે પાંચમી જનરેશનના યુદ્ધ વિમાન છે. જેમ કે અમેરિકા પાસે એફ-૨૨ રેપ્ટર યુદ્ધ વિમાન છે જેને પાંચમી જનરેશનના વિમાન માનવામાં આવે છે અને તેને ખાસ અમેરિકન એરફોર્સ માટે જ તૈયાર કરાયા છે. ૨૦૦૫માં અમેરિકન એરફોર્સમાં સામેલ આ વિમાન હુમલા, ઇલેક્ટ્રિક વોરફેર અને ઇન્ટેલિજન્સ સિગ્નલ માટે જાણીતુ છે. અમેરિકાની પાસે અન્ય એક વિમાન એફ-૩૫ છે જે પણ પાંચમી જનરેશનનું છે. જેમાં કન્વેંશનલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ (સીટીઓએલ), શોર્ટ ટેક ઓફ-વર્ટિકલ લેન્ડિંગ(એસટીઓવીએલ) અને કેરીઅર વેરિઅન્ટ (સીવી) એમ ત્રણ મોડલ છે. બીજા ક્રમે રશિયા છે જેની પાસે સુખોઇ એસયુ-૫ વિમાન છે. રશિયાનું પહેલુ પાંચમી જનરેશનનું યુદ્ધ વિમાન છે જેને રશિયાની સુખોઇ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે કે જે ભારત માટે એસયુ-૩૦ એમકેઆઇ વિમાન બનાવી ચુક્યુ છે. આ વિમાન જમીન અને હવામાં બન્ને રીતે હુમલા અને રક્ષણ માટે જાણીતુ છે.      

ચીનનું જે-૨૦ પાંચ જ્યારે રફાલ ૪.૫ જનરેશનના વિમાન : રફાલ ૪.૫ જનરેશનનું યુદ્ધ વિમાન છે જ્યારે ચીન પાસે પાંચમી જનરેશનનંુ ચેંગદુ જે-૨૦ યુદ્ધ વિમાન છે જેનો ઉપયોગ ચીન ૨૦૧૭થી કરી રહ્યું છે અને ૨૦૧૧માં તેનું ચીને પરિક્ષણ કર્યું હતું. ચીનનું જે-૨૦ વિમાન ૩૪,૦૦૦થી ૩૭,૦૦૦ કિમી ટેકઓફ વજન ધરાવે છે જ્યારે રફાલની ક્ષમતા ૨૫ ટનની માનવામાં આવે છે જે ચીનના વિમાન કરતા ૧૦ ટન ઓછી મનાય છે. જે-૨૦માં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (એઇએસએ) રડાર સિસ્ટમનો ઉપયોગ કરાય છે. જ્યારે રફાલમાં પણ આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરાય છે જેથી રડાર સિસ્ટમમાં રફાલ ચીનના વિમાનને બરાબરીની ટક્કર આપી શકે એક રિપોર્ટ અનુસાર રફાલના રડાર અને સ્પેક્ટ્રા પાછળ કુલ વિમાન બનાવવાના ખર્ચ કરતા ૩૦ ટકા ખર્ચ કરાયો હોવાનો રિપોર્ટ છે. ચીનના ફાઇટર એરક્રાફ્ટની એક ખાશિયત એ મનાય છે કે આ વિમાનમાં બેઠેલો પાયલટ ચીનની સેટેલાઇટ દ્વારા સીધી માહિતી મેળવી શકે છે. યુદ્ધ વિમાનોમાં મિસાઇલ પણ ફીટ કરાયેલી હોય છે. ચીનના વિમાનમાં જે મિસાઇલ છે તેની રેંજ વધીને ૨૦૦ કિમી સુધી જઇ શકે છે જ્યારે રફાલમાં ફીટ કરાતી મિસાઇલની રેંજ ૧૫૦ કિમી સુધી જઇ શકે છે જ્યારે સ્પીડ ચીનના વિમાનની મિસાઇલમાં ૪૯૩૯ કિમી પ્રતિ કલાક અને રફાલમાં ૪૨૪૮ કિમી પ્રતિ કલાક માનવામાં આવે છે. તેથી મિસાઇલની દ્રષ્ટીએ ચીનનું વિમાન વધુ એડવાંસ માની શકાય. ચીનની મિસાઇલ મોટા જ્યારે રફાલની મિસાઇલ નાના ટાર્ગેટ માટે ઉત્તમ મનાય છે. 

રફાલ વગર પણ પાક.ને હરાવ્યું છે : ભારતે અત્યાર સુધી કોઇ પણ દેશ પર સામે ચાલીને હુમલો નથી કર્યો જ્યારે ચીન અને પાકિસ્તાન આ નફ્ફટાઇ કરી ચુક્યા છે. જોકે પાકિસ્તાનને અનેક વખત ભારત ટક્કર આપી ચુક્યું છે, ભારતે રફાલ વગર જ પાકિસ્તાનમાં બાલાકોટ એરસ્ટ્રાઇક કરી હતી જેમાં ૧૨ મિરાજ ૨૦૦૦ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિમાન હુમલા કરી પરત પણ આવી ગયા હતા, જ્યારે પાકિસ્તાને બાદમાં વળતો હુમલો કર્યો ત્યારે ભારતે મિગ વિમાનથી ટક્કર આપી હતી. પાકિસ્તાન હાલ એફ-૧૬ અને એફ-૧૭ વિમાનનો ઉપયોગ કરે છે. જોકે આ બન્ને વિમાન ચોથી જનરેશનના છે જેની સરખામણીએ રફાલ ૪.૫ જનરેશનનું વિમાન છે. પણ નિષ્ણાંતોના મતે પાકિસ્તાનની વિમાન એફ-૧૭ રફાલને ટક્કર આપી શકે છે કેમ કે તેમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે તે ચીનના જે-૨૦ વિમાન સમાન છે. રફાલ વિમાન ભારતમાં આવવાથી સૈન્ય-નેવીનું મનોબળ જરુર વધ્યું છે પણ તેની ઉંચી કિંમત અને તેના જેટલી જ આધુનિક ટેક્નોલોજી ધરાવતા યુદ્ધ વિમાનો પણ માર્કેટમાં હોવાથી રફાલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૮ વર્ષથી હોવા છતા કતાર અને ઇજિપ્ત જેવા નાના દેશો પાસે જ છે જ્યારે હવે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 


સોમવાર, 14 મે, 2012

ગુમ થતા બાળકો જાય છે ક્યા?



શહેર માંથી છેલ્લા ઘણા સમય થી ગુમ થતા બાળકો પાછા ના મળતા અકળાયેલા વાલીઓએ શહેરના લો ગાર્ડન ખાતે એક મીટીંગ યોજીને પોતાના લાડકાઓને પોલીસ શોધવામાં નિષ્ફળ રહ્યા અંગેની ભડાસ મીડિયા કર્મીઓ આગળ કાઢી હતી, ત્યારે પોલીસ અને ગુમ થયેલા બાળકોના વાલીઓ તેમજ સમાજના અનેક નાગરિકોને એક સવાલ જરૂરથી થતો હશે કે ગુમ થયેલા આ બાળકો જાય છે ક્યાં? સામાન્ય રીતે ગુમ થતા બાળકોને કોઈ અસામાજિક તત્વો ઉઠાવીને ભીખ માંગવાના ધંધામાં ધકેલી દેતા હોય છે, તેમજ કેટલાક બાળકોને દેહ વિક્રયના વ્યવસાયમાં ધકેલી દેતા હોય છે. ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં લાપત્તા થયેલા ૧૭૩૧ બાળકોનો આજદીન સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી. ત્યારે પોલીસની કામગીરી પર અનેક આશંકાઓ વ્યક્ત થઇ રહી છે શું પોલીસની બાળકો શોધવાની પદ્ધતિ ખોટી છે? કે પછી પોલીસ તરફથી આ બાબતોને ગંભીર રીતે લેવાતી નથી? આ અને આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે સમાજ માં બાળકોના ગુમ થવા બાબતે સમાજના જાગૃત નાગરીકોએ એક થવું પડશે અને એક અલગથી બાળકોના અપહરણ માટે સ્ટ્રોંગ કાયદા અને વ્યવસ્થાની માંગ કરવી પડશે. આ ઉપરાંત બાળકોના વાલીઓએ બાળકોની સાવચેતી રાખવી પડશે

ગુજરાતમાં લેપ્રસી દર્દીઓ માટે કોઈ પેંશન સ્કીમ ન હોવાથી અનેક દર્દીઓ ભીખ માંગવા મજબુર


દિલ્હીમાં એક લેપ્રસી દર્દીને ૧૮૦૦ રૂપિયા પેંશન જ્યારે સ્વર્ણિમ ગુજરાતમાં રૂપિયા.
કોઈ નાણાકીય આધાર હોવાથી નિરાધાર બનેલા લેપર્સ ભીખ માંગવા મજબુર
અમદાવાદ શહેરમાં ૩૦૦ લેપર્સ અન્ય પર નિર્ભર.



સમગ્ર ગુજરાતમાં વિકાસનો ડંકો વગાડતી ગુજરાત સરકાર પાસે શું એટલા નાણાં પણ નથી કે તેઓ અમને મામુલી ૧૦૦૦ રૂપિયાનું પેંશન આપી શકે?   સવાલ છે વાયબ્રન્ટ ગુજરાતમાં ભીખ માગી રહેલા કરીમભાઈના કે જેઓ અમદાવાદની એક લેપ્રસી સોસાયટીમાં રહે છે અને ભીખ માંગીને પોતાનું પેટીયું રળે છે. ગુજરાતમાં કરીમભાઈ જેવા અનેક લેપ્રસી દર્દીઓ છે કે જેઓના હાથ પગના આંગળા ખરી પડતા હાલ કોઈ કામ કરી શકતા હોવાથી ભીખ માંગવા મજબુર છે એક સર્વે મુજબ ગુજરાતમાં ૭૦૦૦ લેપ્રસીના દર્દીઓ છે, જેમાં માત્ર અમદાવાદમાં ૫૦૦ જેટલા દર્દીઓ ત્રણ અલગ અલગ સોસાયટીમાં રહે છે પરંતુ દર્દીઓમાં ૫૦% દર્દીઓ એવા છે કે જેમની પાસે નાણાં કમાવવાનો કોઈ વિકલ્પ હોવાથી ભીખ માંગવા મજબુર છે.
ગુજરાતમાં લેપ્રસીના દર્દીઓની દયનીય સ્થીતી છે પરંતુ સરકાર સમગ્ર પરિસ્થિતિ સામે આંખ આડા કાન કરી રહી હોય તેવા આરોપ સાથે લેપ્રસીના દર્દીઓએ  પોતાને પેંશન આપવાની ભૂતકાળમાં અનેક વાર માંગ કરી હોવાનું જણાવ્યું હતું, સત્ય જીવન લેપ્રસી સોસાયટીના સેક્રેટરી ખુર્શીભીએ જણાવ્યું હતું કે " ગુજરાતમાં રક્તાપીતના દર્દીઓની સ્થીતિ અન્ય રાજ્યોની સરખામણીમાં દયનીય છે, લેપ્રસી એક એવો રોગ છે કે જેનો ભોગ બનનાર માણસ કોઈ કામ વ્યવસ્થિત નથી કરી શકતો જેને કારણે હાલ પરિસ્થીતી છે કે ગુજરાતમાં અનેક લેપર્સ ભીખ માંગી પોતાનું પેટીયું રળી રહ્યા છે જો દિલ્હી અને મહારાષ્ટ્ર સરકાર લેપ્રસીના દર્દીઓને પેંશન આપીં શક્તિ હોય તો પછી ગુજરાત સરકાર કેમ નહિ?."

ક્યા રાજ્યમાં કેટલું પેંશન લેપ્રસીના દર્દીઓને આપવામાં આવે છે?

ક્રમ               રાજ્ય       પેંશન
               દીલ્હી        ૧૮૦૦ 
               કર્ણાટક      ૧૦૦૦ 
               ગુજરાત    

ગુજરાતમાં લેપ્રસી પર કાર્ય કરી રહેલા જન સંઘર્ષ મંચના કન્વીનર જીજ્ઞેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે " નેનો અને ફોર્ડ કંપનીને ૩૨૦૦૦ કરોડ અપાય, ૯૦૦૦ કરોડ ટેક્સની માફી એસ્સારને અપાય અને લગભગ ૨૦૦ કરોડના ખર્ચે સદભાવનાના ગાણાં ગવાય તો સમાજના તરછોડાયેલા ગરીબ એવા કુષ્ઠ રોગ પીડિતોને ચપટીક પેંશન આપી શકાય? જો દીલ્હી સરકાર ૧૮૦૦ રૂપિયા પેંશન આપતી હોય તો પછી ગુજરાત સરકારે ૨૮૦૦ રૂપિયા પેંશન આપીને સાચી સદભાવના સાબિત કરવી જોઈએ નહીતર ગરીબ કલ્યાણ મેળાના ધતિંગ બંધ કરી દેવા જોઈએ"
          જ્યારે અંગે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે " ગુજરાતમાં રક્તાપીતના દર્દીઓ માટે કામો થઇ રહ્યા છે, અન્ય રાજ્યોની સરખામણી ગુજરાત રાજ્ય સાથે કરી શકાય, ગુજરાતમાં રક્તાપીતના દર્દીઓ માટે સ્વેછીક સંસ્થાઓ પણ સારા કામો કરી રહી છે, ભવિષ્યમાં સરકાર રક્તાપીતના દર્દીઓ માટે કોઈ પેંશન સ્કીમ લાવે બાબતે અત્યારે હું કઈ ના કહી શકું" -જયનારાયણ વ્યાસ (આરોગ્ય મંત્રી -ગુજરાત)